મફતમાં ઠંડુ પીણું આપવાનો ઇનકાર કરતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, આરોપી હાલ પોલીસ લોકઅપમાં
મોરબી શહેરના વાવડી રોડ ઉપર મીરા પાર્ક સોસાયટીમાં મોમાઈ ડેરી એન્ડ બેકરીના દુકાનદાર વેપારી સાથે બે વખત માથાકૂટ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અશોક પરમાર નામના શખ્સે દુકાને આવી મફતમાં ઠંડુ પીણાની મંગની કરતા જે આપવાનો વેપારી દ્વારા ઇનકાર કર્યો હતો. જેથી નશાની હાલતમાં દુકાનમાં તોડફોડ કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ૧૧૨ની ટીમ પહોંચતા શખ્સ ફરાર થઈ ગયો હતો, બાદમાં પોલીસે તેના ઘરે જઈ ધરપકડ કરી હતી. હાલ નશાની હાલતમાં મળતા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી અને તેમના પત્ની જાગૃતિબેન દુકાને હાજર હતા ત્યારે અશોક પરમાર નામનો શખ્સ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં આવી ઠંડુ પીણું મફતમાં માંગતો હતો. જેથી વેપારીએ મફતમાં આપવાનો ઇનકાર કરતા શખ્સે ગાળાગાળી કરી માથાકૂટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ છૂટા પથ્થરો વડે દુકાનમાં તોડફોડ કરી હતી. ત્યારે વેપારીએ ૧૧૨માં જાણ કરતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ રાત્રે ફરી અશોક પરમાર ધોકો લઈને દુકાને આવી માથાકૂટ કરી દાદાગીરી કરતો હતો. જેથી વેપારીએ ફરી ૧૧૨ માં જાણ કરાતા પોલીસે બાદમાં તેના ઘરે જઈ ધરપકડ કરી હતી.
પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, અશોક પરમાર નશાની હાલતમાં મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તે લોકઅપમાં છે. જ્યારે દુકાનમાં તોડફોડ અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ અંગે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ ચાલી રહી છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકના વી.જે. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.






