સ્ટ્રીટ લાઈટ, પાણીનું કુલર અને ફાઉન્ટેન બંધ: તૂટેલા બાકડા અને લપસણી પાસે પથ્થરો વચ્ચે બાળકોને જોખમ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૦૩ કરોડના ખર્ચે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ લોકાર્પણ કરાયેલા સરદાર બાગની એક વર્ષમાં જ કફોડી હાલત થઈ છે. બાગની જાળવણી માટે સમિતિ રચાઈ હોવા છતાં સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીનું કુલર, ફાઉન્ટેન સહિતની સુવિધાઓ બંધ તથા બાકડા તૂટેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને લઈને મહાપાલિકા તંત્ર, ચૂંટાયેલા કોર્પોરેટરો અને જાળવણી સમિતિઓની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
મોરબી શહેરમાં પ્રજાને હરવા-ફરવા અને બાળકોને મનોરંજન માટે સુવિધા મળે તે હેતુથી રૂ. ૧.૦૩ કરોડના ખર્ચે સરદાર બાગનું નવીનીકરણ કરી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણના એક જ વર્ષમાં બાગની હાલત અંગે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જાળવણીના અભાવે બાગની સુવિધાઓ ધીમે ધીમે ખખડી જતા મહાનગરપાલિકા તંત્ર, ચૂંટાયેલા કોર્પોરેટરો, બાગ-બગીચા જાળવણી સમિતિ તેમજ અલગ અલગ રાજકીય પક્ષોની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
શહેરમાં સરદાર બાગ સહિત બાગ બગીચાની જાળવણી માટે મહાનગરપાલિકા દ્વારા અલગ સમિતિની રચના કરવામાં આવી હોવા છતાં સ્થળ પરની સ્થિતિ જોતા આ વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનું સામે આવ્યું છે. બાગમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં, પીવાના પાણીનું કુલર બંધ તેમજ ફાઉન્ટેન પણ કાર્યરત ન હોવાનું જણાવાયું છે. બાગમાં મૂકવામાં આવેલા બાકડા તૂટી ગયા છે, જ્યારે બાળકો માટેની લપસણી પાસે યોગ્ય રેતી કે માટીની વ્યવસ્થા ન હોવાના કારણે મોટા પથ્થરો પડેલા છે. પરિણામે લપસણી પરથી રમતા બાળકોને કમરમાં ઈજાઓ થવાની ચાલુ જ છે. બાગની જાળવણી અને મેઇન્ટનન્સ અંગે અગાઉ પણ મહાનગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કામગીરી થતી નથી. લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બગીચાનું નવીનીકરણ કર્યા બાદ તેની નિયમિત જાળવણી નહીં થાય તો જાહેર નાણાંના ખર્ચનો હેતુ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મુદ્દે મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે ચૂંટાયેલા કોર્પોરેટરોની જવાબદારી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વોર્ડ તેમજ શહેરની જાહેર સુવિધાઓની નિયમિત ચકાસણી કરી ખામીઓ તંત્રના ધ્યાન પર લાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે. બગીચાની જાળવણી માટે રચાયેલી સમિતિઓ શું માત્ર ઠરાવો અને કાગળ પરની કામગીરી પૂરતી છે કે પછી વાસ્તવિક સ્થળ નિરીક્ષણ પણ થાય છે? તેવો પ્રશ્ન નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.
બીજી તરફ તાજેતરમાં ગાંધી જયંતિના દિવસે મોરબીના ઐતિહાસિક સૂરજ બાગનું અંદાજે રૂ. ૧.૭૫થી ૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કોન્ટ્રાક્ટરોને બગીચાની બે વર્ષ સુધી જાળવણી કરવા અંગે ટકોર કરી હતી. ત્યારે સરદાર બાગની વર્તમાન સ્થિતિને જોતા સૂરજ બાગની જાળવણી અંગે પણ શરૂઆતથી જ સ્પષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક બાગના નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેની જાળવણી માટે જવાબદારી નક્કી ન થાય તો થોડા જ સમયમાં ફરીથી સરકારી નાણાં ખર્ચવાની નોબત કેમ આવે? મહાપાલિકા તંત્ર, કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓએ માત્ર લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી પૂરતી નહીં, પરંતુ લોકાર્પણ બાદ સુવિધાઓ જળવાઈ રહે તેની પણ જવાબદારી નિભાવવી જોઈએ તેવી માંગ છે.
સરદાર બાગની હાલત અંગે ઉઠેલા સવાલો વચ્ચે હવે મહાપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી બંધ લાઈટો, પાણીનું કુલર, ફાઉન્ટેન, તૂટેલા બાકડા અને બાળકો માટેના રમતગમતના સાધનોનું સમારકામ કરાવવામાં આવે તથા નિયમિત જાળવણીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શહેરવાસીઓની માંગ છે.






