Friday, October 9, 2026
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપની અનોખી પહેલ: સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપની અનોખી પહેલ: સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને ધાર્મિક ફિલ્મ બતાવાય

મનોરંજન સાથે ભક્તિ અને સંસ્કારનું સિંચન: ‘હનુમાન અંશ’ ફિલ્મ નિહાળી બાળકો ઉત્સાહ અને આનંદથી ઝૂમી ઊઠ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની સાથોસાથ બાળકોમાં સંસ્કાર, સદ્‌વિચારો અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા આશય સાથે એક સુંદર પહેલ કરવામાં આવી છે. મોરબીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ વંચિત વિસ્તારોમાં રહેતા બાળકો માટે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ ‘હનુમાન અંશ’નું વિશેષ નિઃશુલ્ક સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું.

આ આયોજનનો મુખ્ય હેતુ આર્થિક કે સામાજિક મર્યાદાઓને કારણે મલ્ટીપ્લેક્સ જેવી સુવિધાઓથી વંચિત રહેતા બાળકોને પણ સમાન તક આપવાનો અને તેમના બાળપણને આનંદમય બનાવવાનો હતો. ફિલ્મ નિહાળતી વખતે બાળકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનો આ અનુભવ દરેક બાળક માટે યાદગાર બની રહ્યો હતો.

આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “બાળકનું ભવિષ્ય માત્ર પુસ્તકોના જ્ઞાનથી નહીં, પરંતુ તેને મળેલા સંસ્કારો, સારા અનુભવો અને જીવનમૂલ્યોથી ઘડાય છે. શિક્ષણ બાળકને આગળ વધવાની ક્ષમતા આપે છે, જ્યારે સંસ્કાર તેને સાચી દિશા દર્શાવે છે. સમાજના દરેક બાળકને શિક્ષણ, આનંદ અને સન્માનપૂર્વક જીવન જીવવાનો સમાન અધિકાર છે. કોઈ પણ બાળકની આર્થિક પરિસ્થિતિ તેના સપના કે ખુશીઓની મર્યાદા ન બનવી જોઈએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આપણે બાળકોને હનુમાનજીની શક્તિઓની કથાઓ તો સંભળાવીએ છીએ, પરંતુ એ શક્તિ પાછળ રહેલી વિનમ્રતા, ભક્તિ, શિસ્ત અને નિઃસ્વાર્થ સેવાભાવ સમજાવવો પણ એટલો જ જરૂરી છે. બાળકો માત્ર સફળ કારકિર્દી બનાવે એટલું પૂરતું નથી, પરંતુ તેઓ સંવેદનશીલ અને સારા નાગરિક બને તે સમાજ માટે સૌથી વધુ જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં વંચિત, જરૂરિયાતમંદ અને અંતરિયાળ વિસ્તારના લોકો તેમજ બાળકો માટે સતત શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સામાજિક સેવાકાર્યો કરવામાં આવે છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાની સાથે તેમના વિચારોમાં સદ્‌ગુણોનું વાવેતર કરતી આ પ્રવૃત્તિની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!