Tuesday, October 13, 2026
HomeGujaratવાંકાનેરના નવા વઘાસીયામાં પતિએ લોખંડના પાઈપથી પરિણીતાને માર માર્યો

વાંકાનેરના નવા વઘાસીયામાં પતિએ લોખંડના પાઈપથી પરિણીતાને માર માર્યો

‘તું કોઈ કામ કરતી નથી’ કહી પતિએ ઝઘડો કર્યો, સાસુ સામે પણ ત્રાસ આપ્યાની ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે ઘરકામ ન કરતી હોવાના મહેણાં મારી પતિએ પરિણીતાને લોખંડના પાઈપથી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં મહિલાને માથા અને શરીરે મૂઢ ઈજાઓ ઉપરાંત ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારે સાસુએ પણ મહિલાને ગાળો આપી હતી, જેથી મહિલાએ પતિ અને સાસુ સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નવા વઘાસીયા ગામે રહેતાં ૪૪ વર્ષીય અનીતાબેન અશોકભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા. ૧૦/૧૦ના રોજ રાત્રે તેમના પતિ અશોકભાઈ અમરશીભાઈ સોલંકી ઘરે આવ્યા હતા. અને ‘તું આખો દિવસ બેઠી રહે છે અને કોઈ કામ કરતી નથી’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઘર છોડીને જવા કહ્યું હતું. આ દરમિયાન સાસુ સોમીબેને પણ ગાળો આપી ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. જે બાદ બોલાચાલી ઉગ્ર બનતાં પતિ અશોકભાઈએ લોખંડનો પાઈપ લઈ અનીતાબેનને માર માર્યો હતો, જેના કારણે માથા અને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી તથા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ બાદ અનીતાબેન ગામની બહાર અવાવરું જગ્યાએ રાત વિતાવ્યા બાદ બીજા દિવસે ટંકારાના નેસડા ગામે પિયર પહોંચ્યાં હતાં.

ત્યારબાદ તેમના ભાઈ મનસુખભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ટંકારા સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ અનીતાબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી પતિ અશોકભાઈ અને સાસુ સોમીબેન સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫, ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૫૪ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!