મોરબી : રવાપર-ઘુનડા રોડ પર અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ-2026માં નવરાત્રિના ચોથા નોરતે દેશની રક્ષા કાજે ફરજ બજાવતાં પ્રાણ ન્યોછાવર કરનારા શહીદ જવાન વહાણભાઈ સવજીભાઈના પરિવારને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહીદ પરિવારને રૂ. 1 લાખનો ચેક અર્પણ કરી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. સાથે જ મહોત્સવના આયોજક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયાના જન્મદિવસ નિમિત્તે શહીદ જવાનની એક દીકરી અર્પિતાનો ભણતર સહિતનો આજીવન ખર્ચ ઉપાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રહેવાસી શહીદ વહાણભાઈ સવજીભાઈ આશરે 37 વર્ષની વયે દેશસેવા દરમિયાન શહીદ થયા હતા. તેઓ આર્મીમાં NSG કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન તેમણે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાની બહાદુરીભરી કામગીરી કરી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન અત્યંત ઠંડીના વાતાવરણમાં તેમની તબિયત ગંભીર રીતે લથડી હતી અને 23 ઓક્ટોબર, 2025ના રોજ તેમણે પ્રાણ ગુમાવ્યા હતા. દેશની સુરક્ષા માટે સમર્પિત જીવન જીવતા આ વીર જવાનની શહાદત તેમના પરિવાર માટે ક્યારેય ન પૂરાય તેવી ખોટ છે. ખાસ કરીને તેમની ત્રણ નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
પાટીદાર નવરાત્રિ મહોત્સવના ચોથા નોરતે શહીદ જવાનના પરિવારને સન્માનિત કરી રૂ. 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહોત્સવના આયોજક અને સેવાભાવી યુવાન અજયભાઈ લોરિયાનો જન્મદિવસ પણ હતો. પોતાના જન્મદિવસને સેવાકાર્ય સાથે જોડતાં તેમણે શહીદ જવાનની એક દીકરી અર્પિતાનો આજીવન ભણતર સહિતનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત શહીદ પરિવાર માટે આશ્વાસનરૂપ બની છે. દેશની રક્ષા માટે સર્વસ્વ અર્પણ કરનારા જવાનોના પરિવારોની પડખે સમાજ ઊભો રહે તેવા ઉમદા સંદેશ સાથે આ પહેલ કરવામાં આવી હતી. પાટીદાર નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયનું માધ્યમ પણ બની રહ્યો છે. સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને આયોજક અજય લોરિયાની આ પહેલ દ્વારા શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે સમાજમાં દેશભક્તિ, માનવતા અને સેવાભાવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.






