રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જી બાઇકચાલક ફરાર: પોલીસ દ્વારા ગુનો દાખલ.
મોરબી-૨માં શક્તિ ચેમ્બર સામે નેશનલ હાઈવે પર બાઇકની હડફેટે ૬૦ વર્ષીય મંજુલાબેન ઉર્ફે સવિબેન અગેચાણિયાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઇકચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ત્રાજપરમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા મંજુલાબેન ઉર્ફે સવિબેન મનસુખભાઈ અગેચાણીયા ઉવ.૬૦ ગત ૧૩ ઓક્ટોબરના રોજ મોરબીથી વાંકાનેર તરફ જતા નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર સામે આવેલી બેંક ઓફ બરોડામાં કામ અર્થે ગયાં હતાં. જ્યાંથી બપોરે આશરે એક વાગ્યે રોડ ક્રોસ કરતી વખતે બાઇક રજી.નંબર જીજે-૩૬-બીસી-૩૦૬૭ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક બાઇક ચલાવી તેમને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં મંજુલાબેન ઉર્ફે સવિબેનને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. બનાવ અંગે મૃતકના દૂરના ભત્રીજા રમેશભાઈ બાબુભાઈ સાતોલાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી બાઇકચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






