રોટલા બનાવવામાં મોડું થતાં શાક બનાવવા મુદ્દે પતિ સાથે બોલાચાલીનું લાગી આવતા દવા પી લીધી.
માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં વાડીમાં રહેતી સંગીતાબેન નાયકે જંતુનાશક દવા પી લેતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
અપમૃત્યુ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાના દેવી રામપુરા ગામની અને હાલ માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં રમાકાંત કવાડીયાની વાડીએ રહેતી સંગીતાબેન વિશાલભાઈ નાયકને ગત તા.૨૫/૧૦ના રોજ રાત્રે રોટલા બનાવવામાં મોડું થવા અને શાક બનાવવા મુદ્દે પતિ સાથે બોલાચાલી થયા બાદ સંગીતાબેને વાડીમાં પાણીની કુંડી પાસે પડેલી જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેમને પ્રથમ જેતપર અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. માળીયા મિયાણા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






