૬.૮૧ લાખના લક્ષ્યાંક સામે ૧૪.૮૨ લાખથી વધુ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી ૨૧૭.૭ ટકા સિદ્ધિ હાંસલ કરી.
મોરબી: પોષણ માહ અભિયાન અંતર્ગત મોરબી જીલ્લામાં જનઆંદોલન ડેશબોર્ડ પર કુલ ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે. નિર્ધારિત લક્ષ્યાંક કરતાં બમણીથી વધુ કામગીરી સાથે મોરબી જીલ્લાએ રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસમાં યોજાયેલા પોષણ માહ દરમિયાન મોરબી જીલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ જાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જનઆંદોલન ડેશબોર્ડ પર ૬.૮૧ લાખના લક્ષ્યાંક સામે કુલ ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને ૨૧૭.૭ ટકા સિદ્ધિ નોંધાવવામાં આવી હતી. આ અભિયાનમાં પોષણ જાગૃતિ, પ્રારંભિક શિક્ષણ, પોષણ વાનગી નિર્માણ અને ચિત્રસ્પર્ધા, આરોગ્ય જાગૃતિ શિબિરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ અને સ્થાનિક સમુદાયનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો હોવાનું આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું.






