મોરબી: મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક આવેલા મચ્છુ-2 ડેમના પૂર્વ કિનારા પરથી અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 29 ઓક્ટોબર 2026ના રોજ જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમના પૂર્વ કિનારા પર આશરે 30થી 50 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું મોત કયા કારણોસર થયું તે હાલ જાણી શકાયું નથી.મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા આ વ્યક્તિ નું મોત ક્યારે અને કેવી રીતે થયું તેવા અનેક સવાલોના જવાબ મેળવવા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સામે આવશે.હાલ મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.






