મોરબીના ચામુંડાનગરમાં યુવતીના ઘર બહાર બે વખત બિભત્સ ગાળો બોલ્યાનો આક્ષેપ, CCTV ઓડિયો-વિડીયો ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ.
મોરબીના ચામુંડાનગર વિસ્તારમાં અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી યુવતી અને તેના પરિવારને હેરાન કરતા ધવલ પરમાર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીના ઘર બહાર જાહેર શેરીમાં બે વખત બિભત્સ ગાળો બોલી ધમકાવવાના આક્ષેપ સાથેની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ચામુંડાનગર સો ઓરડી વિસ્તારમાં રહેતી યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ધવલભાઈ ગૌતમભાઈ પરમાર રહે. ચામુંડાનગર સો ઓરડી મોરબી-૨ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે અગાઉ તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત આરોપી ધવલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી આરોપી તેમના ઘરની આસપાસ આંટાફેરા કરતો, આ દરમિયાન ગત તા.૧૪/૧૦ના રોજ રાત્રિના સમયે યુવતી અને તેની માતા ઘરે હાજર હતાં ત્યારે આરોપીએ ઘરની બહાર જાહેર શેરીમાં જોરજોરથી બિભત્સ ગાળો આપી હતી.
ત્યારબાદ ગત તા.૧૮/૧૦ના રોજ સાંજના સમયે પણ આરોપીએ ઘરની બહાર બેસીને ફરીથી ગાળો બોલી હતી. ત્યારે પરિવાર દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ઓડિયો સહિતના ફૂટેજ તપાસતાં બંને બનાવમાં આરોપી ગાળો બોલતો હોવાનું સામે આવ્યું છે, આ ઉપરાંત ગઈ તા.૧૯/૧૦ના રોજ યુવતીના કાકાને પણ શોભેશ્વર રોડ પર નિર્મલ જ્યોતિ પેટ્રોલ પંપ પાસે આરોપીએ ગાળો આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી ધવલ ગૌતમભાઈ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






