“અપેક્ષા શૂન્ય – જવાબદારી અનંત”ના મંત્ર સાથે નિઃસ્વાર્થ લોકસેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ધારાસભ્ય તરીકે મળતા માસિક પગાર અને ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનનો સ્વૈચ્છિક તથા કાયમી ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને લેખિત રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જાહેરજીવનમાં નિઃસ્વાર્થ લોકસેવાના સંકલ્પ સાથે ધારાસભ્ય તરીકે મળતા પગાર અને ભવિષ્યના પેન્શનનો ત્યાગ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરીને પ્રવર્તમાન કાયદા અને નિયમો મુજબ પોતાનો માસિક પગાર બંધ કરવા તેમજ ભવિષ્યમાં પેન્શન ન મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ નિર્ણય અંગે પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, પરમાત્માની કૃપાથી તેઓ અને તેમનો પરિવાર આર્થિક રીતે સુખી અને સક્ષમ છે. જેથી વ્યક્તિગત કે પારિવારિક જરૂરિયાતો માટે સરકારી પગાર કે પેન્શનની આવશ્યકતા નથી. તેમના મતે જાહેરજીવન પદ, પ્રતિષ્ઠા કે આર્થિક લાભ મેળવવાનું સાધન નહીં, પરંતુ નિઃસ્વાર્થ લોકસેવા અને માનવકલ્યાણનું માધ્યમ છે. પ્રજાજનોના હિત, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. પગાર અને પેન્શનનો ત્યાગ એ લોકસેવાની જવાબદારીમાંથી નિવૃત્તિ નહીં, પરંતુ વધુ નિઃસ્વાર્થ ભાવથી જનસેવા કરવાનો વ્યક્તિગત સંકલ્પ છે.
પ્રકાશભાઈ વરમોરાએ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત અને સ્વૈચ્છિક છે. તેમણે પોતાના જીવનમંત્ર “Zero Expectation – Infinite Responsibility” (અપેક્ષા શૂન્ય – જવાબદારી અનંત)ને દોહરાવતા જણાવ્યું હતું કે પોતાના માટે ઓછી અપેક્ષા રાખીને સમાજ, રાષ્ટ્ર અને માનવજાતના કલ્યાણ માટે મહત્તમ જવાબદારી સ્વીકારવી એ જ તેમના માટે સાચી લોકસેવા છે.






