મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસેલા ગાયના વાછરડાને ભગાડવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને પાંચ શખ્સોએ એકસંપ થઈને એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર લાકડી, ધોકા અને છરી વડે ઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભલગામડા ગામે રહેતા અને ખેતી કામ કરતા ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજા (ઉ.વ. ૪૫)ના પરિવાર દ્વારા રાખવામાં આવેલી ભાગની વાડીમાં પડોશી દિનેશભાઈ ગોવિંદભાઈ ઉઘરેજાની વાડીમાંથી ગાયનું વાછરડું આવી ગયું હતું. આ વાછરડાને ધીરાભાઈના પત્નીએ તગાડી મૂક્યું હતું, જેનો ખાર રાખીને આરોપી દિનેશભાઈ ગોવિંદભાઈ ઉઘરેજાએ ફરિયાદીના ઘરના ફળિયા પાસે આવીને ગાળાગાળી કરી હતી.
જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
જેમાં રતન ધરમશી ઉઘરેજાએ ફરિયાદી ધીરાભાઈને માથામાં લાકડી મારી લોહીલુહાણ કરી દીધા હતા તે દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદીના પુત્ર યુવરાજને આરોપી હકાભાઈ ગોવિંદભાઈએ માથામાં ધોકો મારી ઇજા પહોંચાડી હતી.બચાવ કરવા આવેલા ફરિયાદીના ભાઈ જીતેશભાઈને આરોપી સીંધાભાઈ કેશાભાઈએ છરી વડે પડખાના ભાગે ગંભીર ઇજા કરી હતી, જેથી તેમને વધુ સારવાર અર્થે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત, આરોપી રતન ધરમશીએ નરશીભાઈના ડાબા હાથે લાકડી મારી ફ્રેક્ચર કર્યું હતું અને દિનેશભાઈએ રાજુભાઈને ધોકો મારી જમણા હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.સાથે જ આરોપી રવિ દિનેશભાઈ ઉઘરેજાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદ નોંધાવી છે.
ઘટના બાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ધીરાભાઈ અરમશીભાઈ ઉઘરેજાની ફરિયાદના આધારે પોલીસે દિનેશ ગોવિંદભાઈ ઉઘરેજા, રતન ધરમશી ઉઘરેજા, રવિ દિનેશભાઈ ઉઘરેજા, હકાભાઈ ગોવિંદભાઈ ઉઘરેજા અને સિંધાભાઈ કેશાભાઈ ઉઘરેજા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






