મોરબીના ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતા હાઈવે પર રામકુવા નજીક રોડ ક્રોસ કરી રહેલા રંજનબેન પરમારને ટ્રકચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.૨૬/૧૦/૨૦૨૬ના રોજ સવારે આશરે ૯ વાગ્યાના અરસામાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રંજનબેન અશોકભાઈ પરમાર ત્રાજપરના રામકુવા પાસે હાઈવે રોડ ક્રોસ કરતા હોય ત્યારે ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવાય-૧૮૦૯ ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રંજનબેનને માથા, ડાબા હાથ અને ડાબા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવ બાદ તેમને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનો ડાબો પગ ઢીંચણથી નીચે કાપવો પડ્યો હતો. જોકે, તા. ૨૮/૧૦/૨૦૨૬ના રોજ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ પરમારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






