રાત્રે પરિવાર સાથે સૂતી ૩૦ વર્ષીય ભૂમિકાબેન વહેલી સવારે ઘરે મળી ન આવતાં શોધખોળ શરૂ કરી: ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ ગાયબ.
માળીયા(મી)ના ખાખરેચી ગામેથી ૩૦ વર્ષીય પરિણીતા ગુમ થવા મામલે પતિએ અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ગુમ થયા બાદ ઘરની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ મળી ન આવતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદ મુજબ, ખાખરેચી ગામના સરદારનગર વિસ્તારમાં રહેતા પ્રગ્નેશભાઈ હરેશભાઇ જસાપરાના લગ્ન આશરે દસ વર્ષ પહેલાં ભૂમિકાબેન ઉવ.૩૦ સાથે થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે. ત્યારે ગત તા. ૨૨/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે પરિવાર સાથે જમીને ભૂમિકાબેન સૂઈ ગયા હતા. બીજા દિવસે તા.૨૩/૧૦/૨૦૨૬ના વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યે પતિ પ્રગ્નેશભાઈની આંખ ખુલતાં ભૂમિકાબેન ઘરમાં જોવા મળ્યા ન હતા. પરિવારજનોએ આજુબાજુ તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. દરમિયાન ઘરની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ મળી આવ્યા ન હતા. આ અંગે પતિ પ્રગ્નેશભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૦(૩) મુજબ ગુનો નોંધી ભૂમિકાબેનની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.






