મીઠાના કારખાનામાં ઘૂસી માથાભારે ઇકબાલ ભટ્ટીએ વેપારી અને તેના ભાઈને ગાળો આપી ધમકી આપી.
માળીયા(મી)ના જાજાસર રણ વિસ્તારમાં મીઠાના કારખાનામાં ઘૂસીને કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. સાતેક મહિના અગાઉ કરેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી આ ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી)પોલીસ સ્ટેશન પાસે રહેતા અને જાજાસર રણ વિસ્તારમાં મીઠાનું કારખાનું ચલાવતા હનીફભાઈ સોકતઅલીભાઈ ભટ્ટી ઉવ.૩૫ એ આરોપી ઇકબાલભાઈ ઇલીયાસભાઈ ભટ્ટી રહે.માળીયા(મી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આજથી સાતેક મહિના પહેલા બાજુમાં મીઠાનું કારખાનું ધરાવતા આરોપી ઇકબાલભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય ત્યારે તેનો ખાર રાખી ગત તા. ૦૧/૧૧ના રોજ બપોરના સમયે પોતાના મોટાભાઈ હાજીભાઈ સાથે કારખાનામાં કામકાજ અંગે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી કાર લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના કાયદેસરના કબજાવાળા કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરી બંને ભાઈઓને ગાળો આપી, ભડાકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






