મોરબી-માળીયા હાઈવે પર ચાલીને જતા ઝારખંડના શ્રમિકને અજાણ્યા વાહને હડફેટે લીધો, સારવાર મળે તે પહેલાં જ મોત.
મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક મોરબી-માળીયા નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી રસ્તા પર ચાલીને જતા શ્રમિકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ઝારખંડના રામગઢ જીલ્લાના પારગઢા ગામના વતની અને હાલ ગાળા ગામના પાટિયા પાસે આવેલી ઓરીક્ષ પેકેજિંગ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજેશ રામાવતાર રજવાર ઉવ.૪૨ મજૂરી કામ કરતા હતા. ગત તા.૦૭/૧૧/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેઓ ગાળા પાટિયા નજીક મોરબી-માળીયા હાઈવે પર ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં મૃતકના નાના ભાઈ રમેશ રામાવતાર રજવાર ઉવ.૪૦ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બનાવ અંગે તેમણે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ તેમજ એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતકના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો હોવાથી આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






