સાંકડા દરવાજાને કારણે મહિલાઓને અવરજવરમાં મુશ્કેલી, સફાઈ અને રિનોવેશન કરાવવા સામાજિક કાર્યકરોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી.
મોરબીના નહેરુ ગેટ ચોકમાં આવેલા મહિલા શૌચાલયનો દરવાજો સાંકડો હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરવાજો મોટો કરવા અને શૌચાલયનું રિનોવેશન કરી નિયમિત સફાઈ કરાવવા સામાજિક કાર્યકરોએ કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરને રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ, ગિરીશભાઈ કોટેચા સહિતનાઓએ મોરબી મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયરને લેખિત રજૂઆત કરી છે કે નહેરુ ગેટ ચોકમાં આવેલા મહિલા શૌચાલયનો પ્રવેશદ્વાર અત્યંત સાંકડો હોવાથી મહિલાઓને આવવા-જવામાં મુશ્કેલી પડે છે. આથી દરવાજો મોટો કરી શૌચાલયનું રિનોવેશન કરાવવા તેમજ નિયમિત સફાઈ કરાવવા માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આ અંગે પદાધિકારીઓને રૂબરૂ રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન લેવાયો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મહિલાઓની સુવિધા માટે તંત્ર સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.






