હરિપર ગોળાઈ પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ, ૮ વર્ષીય બાળક સહિત ચારના મોત, બે ઘાયલ
માળીયા(મી) તાલુકાના હરિપર નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માત મામલે મૃતક ઇકો કાર ચાલક ભરતભાઈ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આશાપુરા માતાના મઢેથી દર્શન કરીને પરત ફરી રહેલી ઇકો કારમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામે આવતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બેને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માળીયા(મી) તાલુકાના હરિપર ગોળાઈ નજીક તા.૨૫ મેના રોજ થયેલા ગોઝારા અકસ્માત મામલે પોલીસ દ્વારા ઇકો કારના ચાલક ભરતભાઈ વિરાભાઈ બામણીયા રહે.ઘોઘલા દિવ જી.દિવ વાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ફરિયાદી જાગૃતિબેન ઉર્ફે વૈશાલીબેન મનોજભાઈ કાપડીયા ઉવ.૩૫ રહે. ઘોઘલા-દીવ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે આશાપુરા માતાના મઢે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સુરજબારીથી માળીયા તરફ હરિપર ગોળાઈ પાસે પહોંચતા ઇકો કારના ચાલક ભરતભાઈએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ઇકો કાર રોડ વચ્ચેનો ડિવાઈડર કૂદી સામેની સાઈડમાં જઈ ટ્રક નં. આરજે-૫૨-જીબી-૨૮૮૫ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કાર પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર લોકો કારમાં દબાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ૧૧૨ એમ્બ્યુલન્સની મદદથી તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ફરીયાદીના પતિ મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડીયા, નણંદ કંચનબેન વિરાભાઈ બામણીયા, પુત્ર ૮ વર્ષીય જીયાન્સુ મનોજભાઈ કાપડીયા તથા ભાણેજ કાર ચાલક ભરતભાઈ વિરાભાઈ બામણીયાના મોત નિપજ્યા હતા. જ્યારે ફરિયાદી જાગૃતિબેનને થાપાના ભાગે તથા પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી અને તેમની દીકરી વૈદશ્રીને પણ થાપામાં અને પગમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






