ભત્રીજી અને યુવક વચ્ચે થયેલા મૈત્રી કરારનો ખાર રાખી ઝઘડો કરશે તેવું ધારીને પ્રૌઢ ઉપર હુમલો.
વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક એક પ્રૌઢ પર કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરવાના મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ઇજાગ્રસ્ત સલીમભાઈ બ્લોચ ઉપર ભત્રીજી કે જે મૈત્રી કરાર કરી આરોપીના પુત્ર સાથે રહે છે, જેથી ઝઘડો કરશે તેવું મનમાં ધરી લઈને આરોપીઓએ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે, હાલ વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા હાલના આરોપીએ ફરિયાદી ઉપર હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક પ્રૌઢ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદી સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચ ઉવ.૫૧ રહે.લાલપર વાળા દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી મુરાદખાન અલીખાન પઠાણ અને મુનિરખાન મુરાદખાન પઠાણ બન્ને રહે. પાંજ ગામ તા.વાંકાનેર વિરુદ્ધ બીએનએસ તથા જી.પી.એક્ટ કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ અનુસાર, ફરિયાદીની ભત્રીજી અજીજાબેને આરોપી મુરાદખાનના પુત્ર નાસિર સાથે ચાર મહિના પહેલા મૈત્રી કરાર કર્યા બાદ બંને સાથે રહેતા હોય, જેનો ખાર રાખીને ફરિયાદી ઝઘડો કરશે તેવું માની લઈને ફરિયાદી સલીમભાઈ ગત તા.૨૧ મેની રાત્રે મહિકા તરફથી મોટરસાયકલ પર વાંકાનેર આવી રહ્યા હતા ત્યારે અંજની જીન સામે આવેલા ભંગારના ડેલા પાસે આરોપીઓએ તેમની બાઈક આંતરી, લાલપર ગામે બિસ્મિલ્લાહ હોટેલ પાસે બંને આરોપીઓ મુરાદખાન અલીખાન પઠાણ અને મુનિરખાન મુરાદખાન પઠાણે કુહાડીના ઉંધા ઘા વડે અને લોખંડના પાઇપ વડે સલીમભાઈના માથાના ભાગે અને શરીરે હુમલો કર્યો હતો. હુમલામાં સલીમભાઈને માથા, હાથ અને પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે આસપાસ લોકો ભેગા થતાં બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જેથી ઇજાગ્રસ્ત સલીમભાઈને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






