તપાસમાં ૧૯૬ ચો.મી. જમીન પર ગેરકાયદે બાંધકામ અને કબજો હોવાનું સામે આવ્યું: પંપ સંચાલક રાજકોટના વિરમ ભરવાડ સામે ફરિયાદ.
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે ભાડા પટ્ટાની જમીન ઉપર આઈ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની બાજુની જમીન પર ગેરકાયદે પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી કબજો કરવાના મામલે પંપ સંચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મુંબઇ સ્થિત રહેતા રશ્મિબેન વિશનજી ઠક્કર ઉવ.૬૬એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરમભાઈ ઘેલાભાઈ ભરવાડ રહે.રાજકોટ વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, આરોપી વિરામભાઈએ ભાડા પટ્ટાની પોતાના કબજાવાળી જમીન પર પાકી દુકાનો બનાવી ભાડે આપી આર્થિક લાભ મેળવવામાં આવતો હોય. ત્યારે આ બાબતની વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના સર્વે નં.૨૩ની જમીન અંગે કરવામાં આવેલી તપાસમાં ભાડા પટ્ટાની જમીન ઉપર આવેલ આઈ.ઓ.સી.એલ. પેટ્રોલ પંપની બાજુની ૧૯૬.૩૬ ચો.મી. જમીન પર ગેરકાયદે બાંધકામ અને કબજો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ૧૦૪.૮૭ ચો.મી. વિસ્તારમાં બિલ્ડીંગ અને ૯૧.૪૯ ચો.મી. વિસ્તારમાં પાકી દુકાનો બનાવવામાં આવી હોવાનું તપાસમાં નોંધાયું છે.
જે મામલે વાંકાનેર મામલતદાર દ્વારા કરાયેલી તપાસ બાદ જમીન પચાવી પાડવા અંગે કાર્યવાહી કરવાનું જણાવતા મોરબી જીલ્લા કલેક્ટરના હુકમના આધારે આરોપી વિરમભાઈ ઘેલાભાઈ ભરવાડ રહે. રાજકોટ વાળા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.






