ફૂલ સ્પીડે રીક્ષા હંકારતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત: ચાલક સહિત બેને ઈજા.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આઈ.બી.ઝા કારખાના નજીક પૂરઝડપે જતી સીએનજી રીક્ષા રોડ પરથી નીચે ઉતરી પલટી મારી જતા પીપળીયા રાજના ૩૪ વર્ષીય યુવકનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના કાકાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી આરટીઓ કચેરીથી પીપળીયા રાજ ગામના સાકીર નજીરહુસેન, અકરમરજા એમ બે કુટુંબી ભાઈઓ એમના ગામના મકસુદભાઈ ફકરૂદીનભાઈ કડીવારની સીએનજી રીક્ષા નં. જીહે-૩૬-ડબ્લ્યુ-૩૦૯૩માં પરત પીપળીયા રાજ જઈ રહ્યા હતા. દરમિયાન વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આઈ.બી.ઝા કારખાના નજીક રીક્ષા ચાલક મકસુદભાઈ કડીવારે રીક્ષા પૂરઝડપે અને બેદરકારીથી ચલાવતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરી પલટી મારી ગઈ હતી. ત્યારે આ અકસ્મતમાં રીક્ષામાં બેઠેલા અકરમરજા અબ્દુલભાઈ ભોરણીયા ઉવ.૩૪ રહે. પીપળીયા રાજ તા.વાંકાનેર વાળાને ગંભીર ઈજાઓ થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રીક્ષા ચાલક સહિત અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી. હાલ અકસ્માતના બનાવ મામલે પોલીસે આરોપી રીક્ષા ચાલક મકસુદભાઈ કડીવાર વિરુદ્ધ બીએનએસ તથા એમવી એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






