૧૮ જૂનથી ૧૫ ઓગસ્ટ વચ્ચે અજાણ્યા શખ્સે ગેરકાયદેસર પ્રવેશ કરી મૂર્તિઓને તોડી નુકસાન કર્યું.
માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે જ્ઞાનનગરી વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાનમાં રાખવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી ખંડિત કરી હોવા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ માળીયા(મી) પોલીસે આરોપી અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૮, ૩૦૧ અને ૩૨૪ મુજબ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.
માળીયા(મી)ના વવાણીયા ગામે રહેતા સામાજિક આગેવાન અશ્વિનસિંહ મેઘુભા પરમાર ઉવ.૫૦એ પોલીસ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ ગામમાં સમાજમાં મરણ થતાં તેઓ અન્ય આગેવાનો સાથે જ્ઞાનનગરી વિસ્તારમાં આવેલા હિન્દુ સ્મશાને ગયા હતા. તે દરમિયાન સ્મશાનમાં હિન્દુ સમાજ દ્વારા રાખવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી ખંડિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી વવાણીયા ગામના હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક દરમિયાન ગામના આગેવાન દ્વારા જણાવ્યું કે તેઓ ગત તા. ૧૮ જૂને સ્મશાનમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની સાફસફાઈ કરવા ગયા ત્યારે મૂર્તિઓને કોઈ નુકસાન થયેલું જોવા મળ્યું નહોતું.
આથી તા. ૧૮ જૂનથી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મૂર્તિઓને જાણી જોઈને તોડી ખંડિત કરી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હોય. જે બાદ ગામના આગેવાનો દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






