ઉછીના રૂપિયા પરત માંગી બોલાચાલી બાદ બે ભાઈઓને લાકડીઓથી માર મારનાર ચાર શખ્સો સામે ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બે ભાઈઓને લાકડીઓથી ચાર શખ્સો દ્વારા માર મારી ઇજા પહોંચાડતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બન્ને ભાઈઓ સામે છુટા પથ્થરના ઘા કરી ઇજા પાહોચાડ્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હાલ વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર,
રાતીદેવળી ગામે રહેતા પ્રકાશભાઇ ઉર્ફે પીન્ટુ લાલજીભાઇ વોરા ઉવ.૩૫ ગત તા.૧૨/૦૯ના રોજ બપોરના અરસામાં રવજીભાઈ મેઘજીભાઈ વોરાની દુકાબે વસ્તુ લેવા ગયા હતા તે દરમિયાન પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ પાસે બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરાએ અગાઉ આપેલ ઉછીના રૂપિયા પરત માંગ્યા હતા. જેથી પ્રકાશભાઈએ હાલ રૂપિયા ન હોવાનું જણાવતાં બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી બાવજીભાઈ સહિત અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજયભાઈ પરસોતમભાઈ વોરા તમામ રહે. રાતીદેવળી વાળાએ ગાળો આપી પ્રકાશભાઈ તથા તેમના ભાઈ દિલીપભાઈને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત બંને ભાઈઓને વાંકાનેર બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ મારામારીના બનાવ અંગે પ્રકાશભાઈ વોરાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






