Tuesday, September 15, 2026
HomeGujaratવસુંધરા ગામે મારામારીના બનાવમાં સામે પક્ષે ચાર વિરુદ્ધ સામી ફરિયાદ, હત્યાના પ્રયાસ...

વસુંધરા ગામે મારામારીના બનાવમાં સામે પક્ષે ચાર વિરુદ્ધ સામી ફરિયાદ, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

દૂધ સહકારી મંડળીના સંચાલક વિરમભાઈ સરૈયાની હત્યાના બનાવમાં વળતી ફરિયાદ: સરપંચના પુત્રને કુહાડીના ઘા અને પાઈપ વડે મરણતોલ માર માર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે દૂધ સહકારી મંડળી પાસે થયેલ મારામારીમાં મંડળીના સંચાલક વિરમભાઈ સામતભાઈ સરૈયાની હત્યા નિપજી હતી. જે હત્યાના બનાવમાં ૧૦ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે આ બનાવ અંગે સામે પક્ષે પણ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલની ફરિયાદમાં બે ભાઈઓ કુહાડી અને લોખંડના લાઈપથી હુમલો કરી મરણતોલ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વસુંધરા ગામે દૂધ સહકારી મંડળીના સંચાલક વિરમભાઈ સામતભાઈ સરૈયાની હત્યાના અગાઉના બનાવમાં નકુલ ઘનશ્યામભાઈ હુંબલ, વિશાલ વશાભાઈ ચાવડા, પરેશ નાગદાનભાઈ ડાંગર, લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ધીરૂભાઈ ડાંગર, ધીરૂભાઈનો ભાણેજ નિર્મળ આહીર તથા લાલ જેવા રંગનું ટી-શર્ટ પહેરેલા દાઢીવાળા શખ્સ સહિત કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મારામારીના બનાવમાં હવે જાલસીકા-વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ ધીરૂભાઈ કરશનભાઈ ડાંગરના પુત્ર જીવનદીપ ધીરુભાઈ ડાંગરે સામે પક્ષના ચાર શખ્સો લાલાભાઇ સામતભાઈ સરૈયા, ગોપાલભાઈ લાલાભાઈ સરૈયા, સુરેશભાઈ રેવાભાઈ સરૈયા તથા શૈલેષભાઈ રેવાભાઈ સરૈયા તમામ રહે.વસુંધરા ગામ તા.વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદ મુજબ ગત તા. ૦૯/૦૯ના રોજ સાંજના સમયે ફરિયાદીના પિતા ધીરૂભાઈ ડાંગર વસુંધરા તરફથી રાજકોટ જતા હતા ત્યારે જીવાપર પાટિયા નજીક તેમના એક્ટિવા સાથે વાહન અથડાવી તેમને નીચે પાડી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુત્ર જીવનદીપ અને તેનો ભાઈ એભલ પિતાની શોધખોળ કરતા વસુંધરા દૂધ સહકારી મંડળી પાસે પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓ લાલાભાઈ સામતભાઈ સરૈયા, ગોપાલભાઈ લાલાભાઈ સરૈયા, સુરેશભાઈ રેવાભાઈ સરૈયા અને શૈલેશભાઈ રેવાભાઈ સરૈયા સાથે બોલાચાલી થયા બાદ એભલને કુહાડી અને લાકડી વડે તથા જીવનદીપને લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. બાદમાં જીવનદીપને કુહાડીના પાછળના ભાગે પગમાં તથા લોખંડના પાઈપથી માથામાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જીવનદીપને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગંભીર ઈજાના કારણે ફરિયાદી જીવનદીપ સારવારમાં હોય જે બાદ ફરિયાદ નોંધાવતા, વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૧૨૫(એ), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!