ક્રાઇમ બ્રાંચે રૂ.૨૦.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ.
મોરબી હળવદ રોડ પર આંદરણા ગામ નજીક ટ્રક ટ્રેલરના ચેસીસમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે એક આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. પોલીસે દારૂ-બિયર, ટ્રક-ટ્રેલર અને મોબાઇલ સહિત કુલ રૂ.૨૦.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે ટ્રક ટ્રેલર નંબર જીજે-૩૯-ટીએ-૨૦૯૦ ચરાડવા તરફથી મોરબી તરફ આવી રહ્યો છે, જેના ચેસીસમાં ચોરખાનું બનાવી ગેરકાયદે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવી તેની હેરફેર કરવામાં આવી રહી છે, આ બાતમીના આધારે મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલની બાજુમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબના ટ્રક ટ્રેલરને અટકાવી તપાસ કરતાં ચેસીસમાં બનાવેલા ગુપ્ત ખાંનામાંથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૪,૬૦૮ બોટલ તેમજ કાલ્સબર્ગ બિયરના ૯૬ ટીન મળી કુલ રૂ.૫,૫૬,૮૦૦/- મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ટ્રેલર, બે મોબાઇલ મળી કુલ રૂ.૨૦,૮૭,૦૭૨/-નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી ધનારામ પુનમારામ ચૌધરી રહે. બમરલા ગામ બાડમેર રાજસ્થાન વાળાની અટકાયત કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ તરીકે દમારામ જાંટ અને દુદારામ ચૌધરી બંને રહે.બાડમેર રાજસ્થાન વાળાના નામ સામે આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે પોલીસે કુલ ત્રણ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





