બે દિવસથી તાવ અને ઉલ્ટીની ફરિયાદ બાદ આઈસીયૂમાં સારવાર કારગત ન નિવડતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
મોરબીના બેલા ગામની સીમમાં કેમિકલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૦ વર્ષીય પરિણીતાનું તાવ અને ઉલ્ટી બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આચકી આવતા બ્રેઇન હેમરેજ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુ અંગે મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના રહેવાસી અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં મામા કેમિકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ભાવનાબેન મહેશભાઈ ડામોર ઉવ.૨૦ને છેલ્લા બે દિવસથી તાવ અને ઉલ્ટીની તકલીફથી પીડાતા હતા. જેથી ગત તા.૩૧ મેના રોજ તેમને મોરબી-૨ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં આઈસીયૂ વિભાગમાં સારવાર દરમિયાન તેમને આચકી આવી હતી અને બાદમાં બ્રેઇન હેમરેજ થતા સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. હાલ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ફોરેન્સીક મેડીસીન વિભાગ જે.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ મોરબી ખાતે ડેડબોડીનું પી.એમ. કરાવેલ હોય ત્યારે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






