મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું, સરડવા પરિવારના સભ્યો અને ફેક્ટરીના શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા
મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એકોર્ડ ગ્રુપના ફાઉન્ડર ચેરમેન અને સમાજસેવક સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એકોર્ડ ગ્રુપ દ્વારા મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૯ નવેમ્બર ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૮ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીના પાવન પર્વ નિમિત્તે સ્વચ્છતાનો સંદેશ આપતા યોજાયેલા આ અભિયાનમાં જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતના સાધનોની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
આ મહાસફાઈ અભિયાનમાં સરડવા પરિવારના સભ્યો ઉપરાંત એકોર્ડ ગ્રુપની ફેક્ટરીઓમાં કાર્યરત શ્રમિકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સાથે મળીને સફાઈ કામગીરીમાં યોગદાન આપી સ્વચ્છ મોરબીના નિર્માણનો સંદેશ આપ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતાબેન રૈયાણી, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન રમાબેન કેતનભાઈ બોપલિયા તેમજ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ખીમજીભાઈ સરડવા, ચતુરભાઈ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા અને સાગરભાઈ સરડવા સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
સ્વ. નરભેરામભાઈ સરડવાની સ્મૃતિને સ્વચ્છતા અને સમાજસેવા જેવા સેવાકાર્ય થકી જીવંત રાખવાના પ્રયાસરૂપે યોજાયેલા આ મહાસફાઈ અભિયાનની સરાહના કરવામાં આવી રહી છે.







