મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગોના પ્રશ્નો, MSME યોજનાઓ અને વિકાસની તકો અંગે કરી ચર્ચા
મોરબી: દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ મોરબી સિરામિક એસોસિએશનના આમંત્રણને માન આપી બ્લૂઝોન સિરામિક ફેક્ટરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત વિવિધ ઉદ્યોગોને લગતા પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી સરકારી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનર ઉત્પાદન, રમકડાં બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી વ્યાપારી તકો અંગે ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત વિવિધ દેશો સાથે ભારત દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થકી ભારતીય ઉદ્યોગોને મળનારા લાભો અને વૈશ્વિક બજારમાં વિસ્તરણની તકો અંગે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા અપીલ કરી હતી. ઉદ્યોગોનો વિકાસ થશે તો રોજગારીની નવી તકોનું સર્જન થશે અને દેશના GDPમાં પણ વધારો થશે તેમ જણાવી તેમણે ઉદ્યોગજગતને દેશના આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ અંગ ગણાવ્યું હતું.
સાથે જ, કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રાલય કે સરકારી વિભાગને લગતી માહિતી અથવા માર્ગદર્શનની જરૂરિયાત હોય તો ગમે ત્યારે સંપર્ક કરવા અને જરૂરી સહયોગ આપવા માટે પણ તેમણે હકારાત્મક ખાતરી આપી હતી.
દિવાળીના પર્વે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ઉદ્યોગજગતના પ્રશ્નોની રજૂઆત સાથે ઉદ્યોગોના વિકાસ માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને નવીન તકો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળતા ઉપસ્થિત ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાનો આ મુલાકાત અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






