હળવદના માથક ગામે બે દિવસ પહેલા સાત જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હુમલો કર્યાનો બનાવ સામે આવતા ગૌપ્રેમીઓઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આવું કૃત્ય કરનારને કડકમાં કડક સજા મળે તે માટે ગામના સરપંચે અજાણ્યા ઈસમો સામે ગૌવશ ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાંની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના માથક ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં સાત જેટલા ગૌવંશ ઉપર તિક્ષ્ણ હથિયારો વડે નિર્દયી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગત તા.૧૦ના રોજ કોઇ અજાણ્યા ઇસમે ગાય જીવ-૧ તથા ખુંટીયા જીવ-૬ને તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેના કારણે ગૌપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો જો કે ગંભીર ઇજાગ્રસ્ત તમામ ગૌવંશને સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવથી નાના એવા ગામમાં ગૌવંશ ઉપર હુમલો કરનાર અજાણ્યા ઈસમો સામે ફિત્કારની લાગણી વરસી છે. આથી, અજાણ્યા ઈસમોને કડકમાં કડક સજા મળે તે માટે માથક ગામના સરપંચ વાઘજીભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ ૫૪) એ અજાણ્યા ઈસમો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી, હળવદ પોલીસે આ ફરિયાદ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.