મોરબીમાં આગમી વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી દેશી-વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે લીલાપર રોડ રામદેવપીરના મંદિર પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ લીલાપર રોડ રામદેવપીરના મંદિર પાછળ ગીરનારી આશ્રમ પાસે વોકળાના કાંઠે સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૨૮૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૩૬૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે આરોપી કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સ્થળ પરથી ફરાર થઈ જતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.