અકસમાત બાદ કાર સ્થળ પર મૂકી અજાણ્યો ચાલક ફરાર, પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ ખસેડાઈ.
હળવદ-મોરબી હાઇવે પર ચરાડવા નજીક અલ્ટો કાર ચાલકે મોટરસાયકલને પાછળથી ઠોકર મારતાં દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ કાર સ્થળ પર જ મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ હળવદ પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ચરાડવા નજીક જીઈબી પાવર હાઉસ પાસે નિલેષભાઈ ગિરધારભાઈ શામજીભાઈ બાવરવા અને તેમની પત્ની કાજલબેન રહે.ચરાડવા ગામ તા.હળવદ મૂળ ગોકુળીયા ગામ તા.હળવદના વતની ગત તા.૨૩ સપ્ટેમ્બરની રાત્રે મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-સી-૩૨૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી જીજે-૧૩-સીબી-૮૩૮૩ નંબરની અલ્ટો કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મોટરસાયકલને ઠોકર મારતા બંને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં નિલેષભાઈને પગ, કમર તથા શરીરના ભાગે ઈજા જ્યારે કાજલબેનને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ અલ્ટો કાર સ્થળ પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ઇજાગ્રસ્ત પુત્રના પિતા ગીરધરભાઈ શામજીભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.






