માથા અને હાથમાં ગંભીર ઈજા થતાં રાજકોટમાં સારવાર: અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર.
હળવદના સુખપર ગામે પુલ ઉતરતા સમયે આડશ વગર ઉભેલા ડમ્પરના પાછળના ઠાઠામાં બાઈક અથડાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ યુવક હાલ કોમામાં હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના દેવપુર(સુખપર) ગામના અશોકભાઈ ગાંડુભાઈ દેકાવાડીયા ગત તા.૧૦ જુલાઈના રોજ મોટરસાયકલ નં. જીજે-૦૧-બીસી-૬૨૪૧ લઈને હળવદથી સુખપર તરફ જતા હતા. ત્યારે સુખપર પુલ ઉતરતી વખતે રોડ પર આડશ વગર ઉભેલા ડમ્પર નં. જીજે-૩૬-એક્સ-૫૩૧૮ના પાછળના ભાગે તેમનું બાઈક અથડાયુ હતું. અકસ્માતમાં અશોકભાઈને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થતાં હળવદ બાદ મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં મગજના બે ઓપરેશન થયા બાદ પણ તેઓ હાલ કોમામાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી પોતાના વાહન સાથે ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે અશોકભાઈના ભાઈ સુરેશભાઈ દેકાવાડીયાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






