ભાયાતી જાંબુડિયા નજીક ખુંટીયો આડો ઉતરતાં અકસ્માત: પશ્ચિમ બંગાળના ૨૦ વર્ષીય શ્રમિકનું કરુણ મોત, બાઈકચાલક સામે ફરિયાદ નોંધાઇ.
વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા નજીક તિરુપતિ પેટ્રોલપંપ પાસે બાઈકચાલકે આગળ જતા ટ્રકને ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં રોડ પર ખુંટીયો આડો ઉતર્યો હતો. ત્યારે બાઈક ખુંટીયા સાથે અથડાતાં બાઈક પાછળ બેઠેલ ૨૦ વર્ષીય યુવક દીલમહમદ અંસારી ફંગોળાઈ બાજુમાંથી પસાર થતા ટ્રકના ટાયરના જોટ્ટા નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જીલ્લાના કુલકુલી હાટ પુખુરીગ્રામના રહેવાસી અને હાલ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ નજીક આવેલી સીમસ્ટોન સિરામિક ફેક્ટરીમાં મજૂરીકામ કરતા દીલમહમદ રજાક અંસારી ઉવ.૨૦ ગત તા.૮ ઓક્ટોબરના રોજ પોતાના મિત્ર પ્રેમ ધનેશી બાસફોર સાથે ઢુવા ચોકડી ખાતે કપડાંની ખરીદી કરવા ગયા હતા. ખરીદી કર્યા બાદ સાંજે બંને સુપર સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૦૩-સીકે-૮૫૭૪ ઉપર વઘાસિયા ખાતે આવેલી ફેક્ટરીમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે બાઈક પ્રેમ બાસફોર ચલાવતો હતો અને દીલમહમદ પાછળ બેઠો હતો. દરમિયાન ઢુવા-વાંકાનેર નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા નજીક તિરુપતિ પેટ્રોલપંપ પાસે આગળ જતા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે રોડ પર ખુંટીયો આડો ઉતરતાં બાઈક તેની સાથે અથડાયું હતું. જેના કારણે બાઈક પરથી દીલમહમદ ફંગોળાઈ બાજુમાંથી પસાર થઈ રહેલ ટ્રકનાં પાછળનાં ટાયર વચ્ચે પટકાયો હતો. આ અકસ્માતમાં માથાની ખોપરી ભાંગી જતાં ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા મૃતકના પિતરાઈ ભાઈ નૂર હુસૈન અંસારી પશ્ચિમ બંગાળથી વાંકાનેર આવ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં મૃતદેહની ઓળખ કરી હતી, જે બાદ નૂર હુસૈન અંસારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બાઈકચાલક પ્રેમ ધનેશી બાસફોર સામે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે બાઈક ચલાવી અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






