એકટીવા અને દારૂ-બિયર સહિત રૂ.૫૪,૪૦૦/-નો મુદ્દામાલ કબજે, દારૂ સપ્લાય કરનાર ફરાર જાહેર.
મોરબીના પંચાસર રોડ પર સત્યમ હોલ નજીક પોલીસે નંબર પ્લેટ વગરના એકટીવામાં દારૂ-બિયર લઈ જતા યુવકને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે એકટીવા તથા દારૂ-બિયરની બોટલો અને ટીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે સપ્લાયરનું નામ સામે આવતા તેને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે પંચાસર રોડ પર સત્યમ હોલ નજીક નંબર પ્લેટ વગરનું એકટીવા શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા, એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂ એબસોલ્યુટ વોડકાની બે બોટલ કિ.રૂ.૩,૮૦૦/- તેમજ ટુબર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના પાંચ ટીન, કિ.રૂ.૬૦૦/- મળી કુલ રૂ.૪,૪૦૦/-નો દારૂ-બિયર મળી આવ્યો હતો. જેથી પોલીસે એકટીવા સહિત કુલ રૂ.૫૪,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી યશભાઈ હિતેષભાઈ શર્મા ઉવ.૨૨ રહે. મોરબી નવલખી રોડ કુબેરનગર શેરી નં.૨ વાળાને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેણે દારૂ-બિયરનો જથ્થો આરોપી ઓમદેવસિંહ ઉર્ફે મોમભા રહે. મોરબી કુબેરનગર પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તેને ફરાર જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






