દાયકાથી દબદબો ધરાવતી સહકાર પેનલને મોટો ફટકો, ખેડૂત પરિવર્તન પેનલની ઐતિહાસિક જીત
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામોમાં મોટું સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. વર્ષોથી યાર્ડમાં દબદબો ધરાવતી સહકાર પેનલને આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. ખેડૂત પરિવર્તન પેનલનો પવન ફૂંકાતા કુલ 14 બેઠકોમાંથી 9 બેઠકો પર વિજય મેળવી સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો કર્યો છે.
મળતી વિગતો મુજબ, વેપારી વિભાગની કુલ 4 બેઠકો પૈકી 2 બેઠકો સહકાર પેનલ અને 2 બેઠકો ખેડૂત પરિવર્તન પેનલને મળી છે. જ્યારે ખેડૂત વિભાગની કુલ 10 બેઠકોમાંથી 7 બેઠકો ખેડૂત પરિવર્તન પેનલ અને 3 બેઠકો સહકાર પેનલના ફાળે ગઈ છે.
આમ બંને વિભાગની કુલ 14 બેઠકોમાંથી ખેડૂત પરિવર્તન પેનલે 9 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે સહકાર પેનલને 5 બેઠકો મળી છે. આ પરિણામ સાથે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા લગભગ બે દાયકાથી ભાજપ પ્રેરિત સહકાર પેનલના શાસનનો અંત આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વીજપોલ વળતરનો મુદ્દો ચૂંટણીમાં અસરકારક બન્યો?
મોરબી જિલ્લાના જેતપર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજપોલના વળતરને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જિલ્લાના અનેક ગામોના ખેડૂતો દ્વારા આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ તરફથી એવો સ્વીકાર કરવામાં આવ્યો છે કે વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રહેલો રોષ મતપેટી સુધી પહોંચ્યો હોવાનું પરિણામમાં જોવા મળ્યું છે.
કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ખેડૂત પરિવર્તન પેનલની જીત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ કોંગ્રેસ સમર્થિત પેનલ નથી, આ ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવેલી પેનલ છે.”
માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના આ પરિણામને મોરબીના સહકારી રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને વીજપોલ વળતર જેવા મુદ્દાઓની અસર ચૂંટણીના પરિણામમાં જોવા મળી હોવાની ચર્ચા હાલ યાર્ડથી લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.






