ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ ફરીથી બૂટલેગરો સક્રિય થઈ રહ્યા છે ત્યારે મોરબી પોલીસ પણ બૂટલેગરો પર સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ધુતારીની વાડીમાં નવલખી બાયપાસ પાસે ગાયત્રી આશ્રમ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ કરી એક આરોપીને પકડી પાડ્યો છે. જયારે અન્ય એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીમાં ધુતારીની વાડી નવલખી બાયપાસ પાસે ગાયત્રી આશ્રમ નજીક રહેતા શિવકુમાર ગાંડુભાઇ સુરેલા તથા નાગજીભાઇ ગોરધનભાઇ ઇંટોદરા ધુતારીની વાડી નામે ઓળખાતા વિસ્તારમાં વોંકડાના કાંઠે બાવળની કાંટમા પડતર/સરકારી ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા આરોપીઓ પોતાના ભોગવટાવાળી જગ્યામાં ગેર કાયદેસર રીતે દેશીદારૂ બનાવી રહ્યા છે. જેમાં પોલીસે રેઇડ દરમ્યાન ૧૦૦ લીટર ગરમ આથો, ૮૦૦ લીટર ઠંડો આથો તથા ૧૦ લીટર દેશીદારૂ તેમજ ભઠીના સાધનો મળી કુલ રૂ.૩૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ રેઇડ દરમિયાન શિવકુમાર ગાંડુભાઇ સુરેલા નામનો આરોપી સ્થળ પર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે નાગજીભાઇ ગોરધનભાઇ ઇંટોદરા નામનો આરોપી સ્થળ પરથી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.