રામવાડી-મહેન્દ્રનગર ખાતે યોજાયેલા કેમ્પમાં ૧૯૦થી વધુ લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો.
મોરબી: આયુષ મંત્રાલય, ભારત સરકારની પ્રેરણા તથા નિયામક આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ૧૧મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીના રામવાડી, મહેન્દ્રનગર ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે આયુષ મેગા કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૧૯૦થી વધુ લાભાર્થીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો, જ્યારે ૨૨૦ બાળકોને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું અને ૪૧ ટીબી શંકાસ્પદ દર્દીઓની ડિજિટલ એક્સ-રે દ્વારા તપાસ કરાઈ હતી.
મોરબી મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ તથા જીલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આયુષ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન આયુર્વેદિક તથા હોમિયોપેથીક તબીબો તેમજ પંચકર્મ અને અગ્નિકર્મ નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ, સારવાર, આરોગ્યલક્ષી માર્ગદર્શન અને જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં બદલાતી જીવનશૈલીના કારણે વધી રહેલા બિનચેપી રોગો જેવા કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અંગે તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ક્ષયરોગ (TB) સ્ક્રીનિંગ માટે ડિજિટલ એક્સ-રે મશીનથી તપાસ, વૃદ્ધજનોની આરોગ્ય તપાસ તથા વિવિધ આરોગ્ય સેવાઓ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન ૧૯૦થી વધુ લાભાર્થીઓએ ઓપીડી સેવાનો લાભ, જ્યારે ૪૨૫ લાભાર્થીઓને આઈઈસી મારફતે આયુર્વેદ અને આરોગ્યલક્ષી સમજ આપવામાં આવી હતી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક વિકાસ માટે ૨૨૦ બાળકોને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. તેમજ ૪૧ ટીબી શંકાસ્પદ લાભાર્થીઓની ડિજિટલ એક્સ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિર, મહેન્દ્રનગરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભૂમિકા કલસરિયાએ રક્તદાન અને અંગદાન અંગે જનજાગૃતિ માટે ઉપસ્થિત લાભાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. મોરબી જીલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પને સફળ બનાવવા ડો.અરુણાબેન નિમાવત, ડો.સુનિલ એમ. કાચરોલા, ડો.રાધિકાબેન મહેતા, ફાર્માસિસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન, કોમલબેન, પ્રદીપભાઈ, રમેશભાઈ સહિતના તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ સેવાઓ આપી હતી.






