વાંકાનેર સીટી પોલીસ દ્વારા નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં ઝડપાયેલા આરોપી આકાશભાઈ સતીષચંદ્રને મોરબીની સ્પેશિયલ NDPS કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 7 કિલો 183 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અંતર્ગત NDPS એક્ટ-1985ની કલમ 8(C), 20(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે આકાશભાઈ સતીષચંદ્રની ધરપકડ કરી તેની પાસેથી કુલ 7.183 કિલો માદક પદાર્થ ગાંજો કબજે કર્યો હતો. ધરપકડ બાદ આરોપી તરફથી મોરબી જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. બચાવ પક્ષ તરફથી એડવોકેટ મનિષ પી. ઓઝા અને એડવોકેટ મેનાઝ એ. પરમારે કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. જામીન અરજી દરમિયાન બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો આધાર લઈ કાયદાકીય મુદ્દાઓ રજૂ કર્યા હતા.
બંને પક્ષોની દલીલો અને કેસની હકીકતોને ધ્યાનમાં લીધા બાદ મોરબીના સ્પેશિયલ જજ (NDPS) અને સેશન્સ જજ કે.આર. પંડયાએ આરોપી આકાશભાઈ સતીષચંદ્રને રૂ.50 હજારના વ્યક્તિગત બોન્ડ અને કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે NDPS એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં જામીન મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયા કડક હોય છે. ત્યારે આ કેસમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.






