વાંકાનેરમાં વૃદ્ધને આંતરી લૂંટ કરનાર ત્રણ કિશોરોએ ચોરેલ મોટરસાયકલનો કર્યો હતો ઉપયોગ: પોલીસે રૂ.૬૦ હજારના બે બાઇક કબજે કર્યા.
વાંકાનેર સીટી પોલીસે વૃદ્ધ સાથે થયેલી લૂંટના ગુનાની તપાસ દરમિયાન ત્રણ બાળ કિશોરોને હસ્તગત કરી તેમની પાસેથી મોરબી અને ગારીયાધરમાંથી ચોરાયેલ બે મોટરસાયકલ મળી આવતા બંને વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસે લૂંટના ગુનાની તપાસ દરમિયાન ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી મળેલ બે મોટરસાયકલના રજિસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતાં એક બાઇક ભાવનગર જીલ્લાના ગારીયાધર વિસ્તારથી અને બીજુ મોરબી શહેરના શનાળા રોડ નજીકથી ચોરાયેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગારીયાધર પોલીસ સ્ટેશન અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બંને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી રૂ.૬૦ હજારની કિંમતના બે મોટરસાયકલ કબજે કરી છે. બંને ગુનામાં ત્રણેય બાળ કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






