અકસ્માત સર્જી કાર ચાલક વાહન મૂકીને નાસી ગયો.
હળવદના ઘનશ્યામપુર પાસે ફોરવ્હીલ કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી આવી રીક્ષાને ટક્કર મારતા, રીક્ષા રોડની સાઈડમાં ઉતરી પલટી મારી ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. હાલ બનાવ અંગે કાર ચાલક સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક બાબુભાઈ વેલજીભાઈ પરમાર ઉવ.૫૨ ની ફરિયાદ મુજબ, ૧૬ જુલાઈના રોજ તેઓ મુસાફરો સાથે સુરેન્દ્રનગરથી હળવદ પરત ફરી રહ્યા હતા ત્યારે ઘનશ્યામપુર ગામ નજીક સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી કાર રજી.નં. જીજે-૦૧-એચવાય-૧૨૬૩ બાબુભાઈની સીએનજી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરથી રીક્ષા રોડ નીચે ઉતરી પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં બાબુભાઈ સહિત અર્જુન, મોનુ, દેવ અને કિષ્ના ઘાયલ થયા હતા, જેમાં કિષ્નાને માથામાં ગંભીર ઇજા તથા પગમાં ફ્રેક્ચર થતાં સર્જરી કરવી પડી હતી. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. હાલ હળવદ પોલીસે આરોપી કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






