મોરબીના રંગપર-બેલા રોડ પર પોલો સર્કલ પાસે સોમનાથ કારખાના સામે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર સાળા-બનેવી પૈકી બાઈક ચાલક બનેવીનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાઇકની પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજાઓ પહોચતા મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે, અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે મોટર સાયકલના માલિકની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર-બેલા ગામથી ખોખરા હનુમાન રોડ પર ગઈ તા.૦૫ જુલાઈના રોજ પોલો સર્કલ પાસે આવેલા સોમનાથ કારખાના સામે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રજી.નં. જીજે-૦૪-ઈએન-૭૯૩૨ ઉપર સવાર બનેવી રાજુભાઈ દીલીપભાઈ અજનારે ઉવ.૨૮ હાલ રહે. લક્ષ્મીનગર તા.જી.મોરબી સુખ કોર્પોરેશન કારખાનાની લેબર કોલોનીમાં મુળ ગામ સીમરોલ ઘોડાબડ ખંડવા રોડ તા.જી.ઈન્દોર (એમ.પી.) અને તેમના સાળા શિવાભાઈ રાધેશ્યામભાઈ વાસ્કેલ ઉવ.૨૫ લક્ષ્મીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા જીજે-૩૯-ટી-૭૮૩૮ નંબરના ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી ઉપરોક્ત બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં રાજુભાઈને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે શિવાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોલીસને જાણ કર્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના આ બનાવ અંગે મોટર સાયકલના માલિક કરણભાઈ ઉર્ફે કાળુ કાંતીભાઈ સોલંકી રહે.લક્ષ્મીનગર લેબર ક્વાર્ટર મોરબી મૂળ વતન દેદાળા તા.પાલીતાણા જી. ભાવનગર વાળાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






