પોલીસને જોઈ મોપેડ મૂકી આરોપી નાસી છૂટ્યો: રૂ.૯૬,૨૫૦/- નો દારૂ અને વાહન કબજે.
મોરબી તાલુકાના બેલા(રંગપર) ગામે તાલુકા પોલીસની રેઇડ દરમિયાન બુટલેગર મોપેડ મૂકી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે મોપેડમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૨૪ નંગ બોટલ કિ.રૂ.૪૬ હજાર સહિત કુલ રૂ.૯૬,૨૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસને બાતમી મળી કે, બેલા(રંગપર) ગામે આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે, અને હાલ તે દારૂને સગેવગે કરવાની પેરવીમાં હોય જેથી મળેલી બાતમીના આધારે બેલા(રંગપર) ગામે વસીમભાઈ ઓસમાણભાઈ નારેજાના રહેણાંક નજીક રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન આરોપી પોલીસને જોઈ ટીવીએસ જ્યુપીટર મોપેડ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૨૮૩૮ સ્થળ પર મૂકી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
પોલીસે મોપેડમાં રાખેલા ત્રણ બોક્સમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ ૩૨૪ બોટલ કિ. રૂ.૪૬,૨૫૦/-કબ્જે લીધી હતી. આ ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ રૂ.૫૦ હજારનું ટીવીએસ જ્યુપીટર મોપેડ સહિત રૂ.૯૬,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






