સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૩.૪૭ લાખનો મુદ્દામાલ કબજે; મહિલા સહિત બે આરોપી ફરાર.
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેણાંક મકાનમાં થયેલી દિવસ દરમિયાનની ઘરફોડ ચોરીનો ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીના રૂ.૨.૪૭ લાખના સોના-ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા મળી કુલ રૂ.૩.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત બે આરોપીઓના નામ ખુલતા પોલીસે બંનેને ફરાર દર્શાવી આગળની તજવીજ હાથ ધરી છે.
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.૭માં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં ગત તા.૧૬/૦૯/૨૦૨૬ના બપોરના આશરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના કુલ રૂ.૨,૪૭,૬૦૦/-ના દાગીનાની ચોરી કરી હતી. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ ટંકારા પીઆઈ જે.ડી. ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ચોરીમાં સીએનજી રિક્ષા રજી.નં. જીજે-૧૦-ટીઝેડ-૮૧૬૫ નો ઉપયોગ થયો હોવા અને આરોપી ચોરીના દાગીના વેચવા નીકળવાનો હોવાની માહિતી મળતાં પોલીસે ટંકારા નગરનાકા પાસેથી સીએનજી રિક્ષા સાથે આરોપી ગોપાલભાઈ રાયમલભાઈ વાઘેલા ઉવ.૨૬ રહે. ધ્રોલ રોડ ચામુંડાવાસ ઝૂંપડામાં તા.ધ્રોલ જી.જામનગર વાળાને સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાની પત્ની ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા તથા સંબંધી સંજયભાઈ ઉર્ફે મેહુલ રાયધનભાઈ વાઘેલા રહે. ધ્રોલ-લતીપર રોડ તા. ધ્રોલ જી.જામનગર વાળા સાથે મળી ટંકારામાં બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
આ સાથે ટંકારા પોલીસે આરોપી ગોપાલભાઈ પાસેથી ચાંદીની કળી, છળા, સાંકળા, નાના સાંકળા, ચાંદીની લકકી, ચાંદીનું મંગળસૂત્ર અને સોનાની પાન બુટી સહિત કુલ રૂ.૨,૪૭,૬૦૦/-ની કિંમતના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા કિ.રૂ.૧ લાખ મળી કુલ રૂ.૩,૪૭,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં પોલીસ તપાસમાં આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં આંટાફેરા મારી બંધ મકાનોની રેકી કરતા અને તક મળતાં તાળા તોડી ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
આ ગુનામાં સંડોવાયેલી આરોપી ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા અને આરોપી સંજયભાઈ ઉર્ફે મેહુલ રાયધનભાઈ વાઘેલાને હાલ પોલીસે ફરાર દર્શાવી, બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી સંજય ઉર્ફે મેહુલ વિરુદ્ધ અગાઉ પણ ભાવનગર, અમરેલી અને ધ્રોલ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી સહિતના કુલ સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.






