મોરબીમાં જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રેઈડ દરમિયાન મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના ટ્રેક્ટરમાં કામ કરતા ત્રણ શ્રમયોગી પૈકી એક માત્ર ૧૩ વર્ષનો બાળ શ્રમિક હોવાનું સામે આવ્યું હતું. જેથી બાળશ્રમિકને કામે રાખનાર કોન્ટ્રાક્ટર અમદાવાદની શ્રીજી સંસ્થાના માલિક સામે બાળમજૂરી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સરકારી શ્રમ અધિકારી મિતેષકુમાર પરસોતમભાઈ જોષીએ આરોપી રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, મળેલ પૂર્વ માહિતી અનુસંધાને, મોરબી જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા રવાપર રોડ પર ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રેક્ટરમાં હેલ્પર તરીકે કામ કરતા આશરે ૧૩ વર્ષના બાળશ્રમિકને કામ પર રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે મોરબી મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટ શ્રીજી એજન્સીને આપવામાં આવ્યો છે, જેથી આ મામલે પોલીસે શ્રીજી એજન્સીના માલિક આરોપી રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા, રહે.સિદ્ધિવિનાયક ટાવર એસ.જી.હાઇવે મકબારા અમદાવાદ વાળા સામે બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ બાળકને કામમાંથી મુક્ત કરાવી સમાજ સુરક્ષા વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.






