ગૌવંશના કલ્યાણ માટે મેયરનો સક્રિય અભિગમ, ગૌશાળાની સુવિધાઓ અને સાર સંભાળમાં મહાનગરપાલિકા તરફથી પૂર્ણ સહયોગ.
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત યુવા મેયર ઉત્તમ સુરાણીએ આજે મોરબીમાં આવેલ ‘નંદીધર ગૌશાળા’ની સદ્ભાવના મુલાકાત લીધી. તેમણે ગૌશાળાની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને ગૌવંશની સારસંભાળ માટે જે પગલાં લેવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. મેયરે ગૌશાળાના સંચાલકો સાથે વાતચીત કરી, દૈનિક કામગીરીમાં આવતા પડકારોને સમજ્યા અને મહાનગરપાલિકા તરફથી સંપૂર્ણ સહયોગ માટે ખાતરી આપી હતી.
મોરબી મહાનગરપાલિકાના યુવા અને ઉત્સાહી મેયર ઉત્તમ સુરાણીએ પદભાર સંભાળ્યા બાદ જીવદયાના કાર્યોને પ્રાથમિકતા આપતા આજે ‘નંદીધર ગૌશાળા’ની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ ગૌવંશની સારસંભાળ, શેડ, ખોરાક, પીવાનું શુદ્ધ પાણી, તેમજ માંદી અને અશક્ત ગાય માટેની તબીબી સુવિધાઓનું આકલન કરવાનું હતું. મુલાકાત દરમિયાન મેયરે ગૌશાળાની દૈનિક કામગીરી, સેવકમંડળની કામગીરી, ખોરાક અને પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વિવિધ કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. તેમણે સંચાલકો સાથે ચર્ચા કરી અને ગૌશાળાને આર્થિક, સામાજિક અને તબીબી સહાયની જરૂરિયાતોની વિગતો મેળવી હતી.
આ તકે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું કે “ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોપરી છે. નંદીધર ગૌશાળા દ્વારા ગૌવંશની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. મહાનગરપાલિકા તરફથી આવી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે દરેક શક્ય સહયોગ આપવામાં આવશે.”
આ ઉપરાંત ખાસ ઉલ્લેખ કર્યો કે, ગૌવંશની સુરક્ષા અને સુખાકારી માટે નાનાં-મોટાં સુધારા જરૂરી છે અને મહાનગરપાલિકા તેમની જરૂરિયાત મુજબ ટેકનિકલ અને આર્થિક સહાય પૂરી પાડશે.






