Sunday, June 7, 2026
HomeGujaratચરાડવા નજીક પાંચના મોતના ગમખ્વાર અકસ્માતમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ચરાડવા નજીક પાંચના મોતના ગમખ્વાર અકસ્માતમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

રોડ ઉપર અચાનક ડમ્પર આડું આવી જતા કાર ઘૂસી ગઈ હોવાનો આક્ષેપ, તાલુકા પંચાયત સદસ્ય સહિત પાંચના મોતથી પંથકમાં શોક.

- Advertisement -
- Advertisement -

હળવદના ચરાડવા નજીક સર્જાયેલા ગમખ્વાર કાર-ડમ્પર અકસ્માતમાં પાંચ લોકોના મોત બાદ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ ડમ્પર ચાલકે કોઈ સિગ્નલ આપ્યા વગર રોડ વચ્ચે ડમ્પર આડું નાખતા કિયા સેલ્ટોસ કાર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને હાલના સભ્ય સહિત પાંચના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

હળવદ તાલુકાના ચરાડવા નજીક ભવ્ય હોટલ અને નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા ઇટાનો સિરામિક કારખાના પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(૧), ૧૨૫(૨), ૧૦૬(૧) તેમજ એમવી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત રણછોડગઢ ગામના રહેવાસી પ્રકાશભાઈ હમીરભાઈ ડઢૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને અન્ય લોકો કિયા સેલ્ટોસ કાર નં. જીજે-૩૬-એએફ-૭૦૭૫માં મોરબી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર નં. જીજે-૧૩-એએક્સ-૫૨૮૭ના ચાલકે સિરામિક કારખાનામાંથી અચાનક રોડ પર આવી કોઈ જાતનું સિગ્નલ આપ્યા વગર રોડ વચ્ચે ડમ્પર આડું નાખતા કાર ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

અકસ્માતમાં સુરેશભાઈ વિસાભાઈ શિહોરા, વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા અને અગાઉથી ઇજાગ્રસ્ત પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયાના મોત થયા હતા. બાદમાં સારવાર દરમિયાન ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયા તથા પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયાએ પણ દમ તોડ્યો હતો. અકસ્માતમાં ફરિયાદી પ્રકાશભાઈ તેમજ દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા સારવાર હેઠળ છે. હાલ એક સાથે પાંચ લોકોના મોતથી સમગ્ર હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!