મોરબીના જાંબુડીયા વિસ્તારમાં સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીની કોલોનીમાં યુવતીના પિતા અને ભાઈ છરી લઈને પહોંચી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અત્રેના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે બંને આરોપી પિતા-પુત્ર સામે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના જાંબુડીયા સ્થિત નીલકંઠ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના મેસણકા ગામના આરદીપભાઈ મુકેશભાઈ દાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે થાનગઢના રહેવાસી મનીષા બાબુભાઈ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે પ્રેમલગ્ન બાબતે યુવતીના પિતા બાબુભાઈ કાળાભાઈ પરમાર અને ભાઈ ભરતભાઈ બાબુભાઈ પરમારે મનદુઃખ રાખી ગત તા.૧૩ મેના રોજ બંને આરોપીઓ છરી લઈને ફરિયાદીની કોલોનીમાં પહોંચ્યા હતા અને મનીષાને મારી નાખવાની ધમકી આપી હતી.
તે સમયે ફરિયાદી કારખાનામાં કામ પર ગયા હતા, જ્યારે પરિવારજનો ઘરે હાજર હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ આરોપીઓ છરી સાથે યુવક-યુવતીને શોધી રહ્યા હતા. જે બાદમાં કંપનીના સીસીટીવીમાં પણ બંને આરોપીઓ છરી લઈને કોલોનીમાં આંટા મારતા દેખાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ ફરિયાદીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






