ભાડુઆત સાથેના ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલી મહિલાને આરોપી મહિલાએ અપમાનિત કરી ધક્કો મારી પછાડી દીધી.
મોરબી-૨ના ઉમિયાનગર વિસ્તારમાં ભાડુઆત સાથે ચાલી રહેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલી ૫૯ વર્ષીય મહિલાને જાતિ પ્રત્યે અપમાનીત કરી ધક્કો મારી પછાડી દેવામાં આવી હતી. આ ઉપરાંત ભાડુઆતને મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના સામાકાંઠે સીરામીક સીટીની બાજુમાં ઉમિયાનગર હનુમાન મંદિર પાસે રહેતા અમરતબેન રામજીભાઈ ટપુભાઈ વાઘેલા ઉવ.૫૯એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ગીતાબેન રાજપૂત રહે.ગ્રીન ચોક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા.૧૭ ઓગસ્ટના રોજ તેમના મકાનમાં ભાડે રહેતા જીગ્નેશભાઈને આરોપી ગીતાબેન રાજપૂત ઢીકાપાટુનો માર મારી રહી હતી, અને જીગ્નેશભાઈની પત્ની દિપાબેન તેમને છોડાવવા જતા તેમની સાથે પણ આરોપી મહિલા ગીતાબેને ઝપાઝપી કરી હતી.
ત્યારે ફરિયાદી અમરતબેન બંનેને છોડાવવા વચ્ચે પડતા આરોપી ગીતાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી ધક્કો મારી અમરતબેનને નીચે પછાડી દીધા હતા. આ દરમિયાન સોસાયટીના લોકો એકઠા થઇ જતા આરોપી ગીતાબેન ગર્ભિત ધમકી આપીને ચાલ્યા ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






