બારીની લોખંડની ગ્રીલ કાપી અજાણ્યા તસ્કરો કારખાનામાં ઘૂસ્યા, ૨૬૮ મીટર વાયર કાપીને ચોરી કરી લઈ ગયા.
માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલી પરિમલ એગ્રો ઓઇલ મીલમાં તસ્કરોએ બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક મોટર અને પેનલમાં સપ્લાય માટે લગાવેલા અલગ-અલગ ગેજના આશરે ૨૬૮ મીટર કોપર કેબલ વાયર કિ.રૂ.૧,૯૮,૯૩૦/- કાપી ચોરી કરી લઈ ગયા અંગે ઓઇલ મીલના માલિકે માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના એસપી રોડ ઉપર ગોલ્ડન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પરીમલભાઈ ભુપતભાઈ મણવર ઉવ.૪૭એ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી પરીમલભાઈનું ખાખરેચી ગામની સીમમાં પરીમલ એગ્રો નામનું ઓઇલ મીલ કારખાનું આવેલું છે. જન્માષ્ટમીના તહેવાર તેમજ મજૂરોની અછતના કારણે ગત તા.૨૫/૦૮/૨૦૨૬થી કારખાનું બંધ હતું. જે બાદ ગત તા.૧૭/૦૯/૨૦૨૬ના રોજ મજૂરો વતનથી પરત ફરતાં કારખાનું શરૂ કરવા ફરિયાદી મીલ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન શેડની પાછળની બાજુની બારી ખુલ્લી અને તેની લોખંડની ગ્રીલ તોડી-કાપેલી જોવા મળી હતી. જેથી અંદર તપાસ કરતાં ઇલેક્ટ્રિક મોટર તથા પેનલથી પેનલમાં વીજ સપ્લાય માટે લગાવેલા કોપર કેબલ વાયર કાપેલા હોવાનું જણાયું હતું.
તપાસમાં અલગ-અલગ ગેજના આશરે ૨૬૮ મીટર કોપર કેબલ વાયર કિ.રૂ.૧,૯૮,૯૩૦/- અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારથી કાપી ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ બનાવ અંગે પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.






