ભાવનગરથી મોરબી તંત્રને જાણ કરાતા ૨૦૦થી વધુ લોકોનો સર્વે: પરિવાર અને આસપાસના વિસ્તારમાં કોઈમાં લક્ષણ નહીં આવતા હાશકારો.
વાંકાનેરની ૪૩ વર્ષીય મહિલા પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થતાં મોરબી આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેની કાર્યવાહી શરૂ કરી હતી.
વાંકાનેર શહેરની ૪૩ વર્ષીય મહિલા પાલિતાણા પ્રવાસ દરમિયાન અસ્વસ્થ થતાં ભાવનગર જીલ્લાના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ૨૮ જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરાયેલી મહિલાનો ૨૯ જુલાઈએ કરવામાં આવેલ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. કોરોના કેસની પુષ્ટિ થતાં ભાવનગર જીલ્લા આરોગ્ય વિભાગે મોરબી જીલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી હતી.
જે બાદ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરવાની સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબી આરોગ્ય વિભાગે મહિલાના નિવાસસ્થાન આસપાસના વિસ્તારમાં ૨૦૦થી વધુ લોકોનો સર્વે કર્યો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પરિવારના સભ્યો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા કોઈપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો નોંધાયા નથી. હાલ મહિલાની તબિયત સુધારા પર હોવાનું અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.






